શનિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. એક પણ ગેમમાં તે દબાણમાં જોવા મળ્યો ન હતો. સુરતના 29 વર્ષીય પેડલરે હરિયાણાના સૌમ્યજીત ઘોષ સામે 11-8, 11-4, 11-7, 11-8થી વિજય નોંધાવ્યો હતો. જ્યારે સુતિર્થાએ પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને તેલંગાણાની શ્રીજા અકુલાને 11-8, 11-7, 11-8, 12-14, 11-9થી પરાજય આપીને ત્રીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મેન્સ અને વિમેન્સ સિંગલ્સની ફાઈનલ રોમાંચક બની રહેશે તેવું માનવામાં આવતું હતું પરંતુ હરમીત અને સુતિર્થાએ પોત-પોતાના હરીફ ખેલાડીઓને એક પણ તક આપી ન હતી.
અગાઉ શનિવારે જ હરમીત અને સુતિર્થાએ અપસેટ સર્જ્યા હતા. હરમીતે ટુર્નામેન્ટમાં ટોચના ક્રમાંકિત ખેલાડી તામિલનાડુના જી સાથિયાનને હરાવ્યો હતો. જ્યારે સુતિર્થાએ દિલ્હીની મણિકા બત્રાને પરાજય આપ્યો હતો. મેડલ ટેલીમાં ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે પશ્ચિમ બંગાળની ટીમ ટોચ પર છે. જ્યારે યજમાન ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતે ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.