2007માં ટી20 ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપના માધ્યમથી ભારતીય ક્રિકેટને એક નવો ચેમ્પિયન સુકાની અને ઘણા ચેમ્પિયન ખેલાડીઓ મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. આ ટીમનો ભાગ રહેલા વિકેટકીપર બેટર રોહિન ઉથપ્પાએ બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉથપ્પાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, આ મારું નસીબ છે કે હું મારા દેશ અને કર્ણાટક સ્ટેટ માટે ક્રિકેટ રમ્યો. તમામ બાબતોનો અંત આવવો જોઈએ અને કૃતજ્ઞ હ્રદય સાથે હું ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું.
ઉથપ્પાએ પોતાની આ ટ્વિટમાં લખ્યું છે કે, પ્રોફેશનલ ક્રિકેટમાં રમતા મને 20 વર્ષ થઈ ગયા છે અને આ મારા દેશ અને રાજ્ય, કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવાનું સૌથી મોટું સન્માન મળ્યું છે. આ ઉતાર-ચઢાવવાળી એક શાનદાર યાત્રા રહી. આ રમતમાં મને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં મદદ મળી. તેણે આગળ લખ્યું હતું કે, તમામ સારી બાબતોનો અંત આવે છે અને થવો પણ જોઈએ. હું ખરા હ્રદયપૂર્વક આભાર માનતા ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. હું આ રમતથી અલગ થયા બાદ મારા પરિવાર સાથે સમય પસાર કરીશ. જીવનની નવી શરૂઆતને લઈને હું ઘણો ઉત્સાહિ છું.
2015માં ટીમ ઈન્ડિયા માટે રમી હતી અંતિમ મેચ
રોબિન ઉથપ્પાએ છેલ્લે 2015માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમી હતી. 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. જોકે, તેની ટીમનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું હતું. ઉથપ્પાએ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 2007માં તે ટી20 ટીમમાં સામેલ કરાયો હતો. તેને ભારતીય ટીમ માટે 46 વન-ડે અને 13 ટી20 મેચ રમવાની તક મળી. વન-ડેમાં ઉથપ્પાએ 936 રન નોંધાવ્યા હતા જેમાં છ અડધી સદી સામેલ છે. ટી20 ક્રિકેટમાં ઉથપ્પાએ 249 રન નોંધાવ્યા છે. જેમાં એક અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તેણે 205 આઈપીએલ મેચ પણ રમી છે.