Today News

ત્રીજી વન-ડેઃ સાઉથ આફ્રિકા સામે કુલદીપ-ગિલ ઝળક્યા, ભારતે 2-1થી શ્રેણી જીતી – india vs south africa third one day at arun jaitley stadium delhi 11th october 2022

ત્રીજી વન-ડેઃ સાઉથ આફ્રિકા સામે કુલદીપ-ગિલ ઝળક્યા, ભારતે 2-1થી શ્રેણી જીતી - india vs south africa third one day at arun jaitley stadium delhi 11th october 2022


સ્પિનર કુલદીપ યાદવ સહિત બોલર્સના ઘાતક પ્રદર્શન બાદ ઓપનર શુભમન ગિલની દમદાર બેટિંગ મદદથી ભારતે મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ શિખર ધવનની આગેવાનીવાળી ટીમે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી અંતિમ વન-ડેમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું અને સાઉથ આફ્રિકન ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. સ્પિનર કુલદીપ યાદવે વેધક બોલિંગ કરતાં 4.1 ઓવરમાં ફક્ત 18 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાએ વન-ડેમાં ભારત સામે તેનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. 100 રનના આસાન લક્ષ્યાંકના જવાબમાં ભારતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 105 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર શુભમન ગિલે 49 રન નોંધાવ્યા હતા.

ભારતનો આસાન વિજય, શ્રેણી પણ જીતી લીધી
100 રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવામાં ભારતીય ટીમને કંઈ ખાસ તકલીફ પડી ન હતી. જોકે, ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ઓપનર શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરની જોડી ટીમને વિજય સુધી દોરી ગઈ હતી. શિખર ધવન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી પરંતુ ધવન રન આઉટ થયો હતો. આ જોડીએ 6.1 ઓવરમાં 42 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવને આઠ રન નોંધાવ્યા હતા. જ્યારે ઈશાન કિશન 10 રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ એક રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. ગિલ 57 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 49 રન નોંધાવીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. શ્રેયસ ઐય્યર 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે 28 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. સંજૂ સેમસને અણનમ બે રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે લુંગી નગિડી અને ફોર્ટયુને એક-એક વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાનો ટોપ ઓર્ડર રહ્યો નિષ્ફળ
ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમનું આમંત્રણ આપ્યું હતું. જોકે, જાનેમન મલાન અને વિકેટકીપર ક્વિન્ટન ડીકોકની ઓપનિંગ જોડી ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ડીકોક છ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ટીમને ઉપરા-ઉપરી બે ઝાટકા લાગ્યા હતા. ટીમનો સ્કોર સાત રનનો હતો ત્યારે સાઉથ આફ્રિકાએ ડીકોકની વિકેટ ગુમાવી હતી. જ્યારે 26 રનના સ્કોર સુધીમાં ટીમની ટોચની ત્રણ વિકેટ પડી ગઈ હતી. મલાન 15 અને રીઝા હેન્ડરિક્સ ત્રણ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. એઈડન માર્કરામ પણ 9 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. ટીમે 43 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ક્લાસેને કર્યો સંઘર્ષ પણ કુલદીપ સામે લોઅર ઓર્ડર વેરવિખેર થયો
ટીમના સ્કોરને 99 રન સુધી પહોંચાડવામાં હેનરિક ક્લાસેને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સંઘર્ષપૂર્ણ બેટિંગ કરીને ટીમની બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવ ત્રાટક્યો હતો અને તેણે સાઉથ આફ્રિકન ટીમના લોઅર ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. ક્લાસેને 42 બોલમાં ચાર ચોગ્ગા સાથે 34 રન ફટકાર્યા હતા. ડેવિડ મિલર સાત અને ફેલુકવાયો પાંચ રન નોંધાવીને આઉટ થયા હતા. માર્કો જેનસેને 14 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને શાહબાઝ અહેમદને બે-બે સફળતા મળી હતી.

Exit mobile version