ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને રમાનારા ટી20 વર્લ્ડ કપમાં હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રિત બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. બુમરાહની ગેરહાજરીના કારણે ભારતીય ટીમની બોલિંગ નબળી જોવા મળી રહી છે.
ઈજાના કારણે બુમરાહ એશિયા કપમાં રમી શક્યો ન હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની ટી20 સીરિઝ દ્વારા કમબેક કર્યું હતું. જોકે, સાઉથ આફ્રિકા સામેની સીરિઝની તિરુવનંતપુરમ ખાતે રમાયેલી પ્રથમ ટી20 માટે તે ટીમ સાથે આવ્યો ન હતો. આ મેચમાં ભારતે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો.