Today News

જાડેજાએ ઊભી કરી નંબર-4ની મુશ્કેલી, હાર્દિક પર પણ સંકટ ઘેરાયુઃ હવે શું કરશે રોહિત શર્મા? – injured ravindra jadeja out of asia cup spoil team indias game plan

જાડેજાએ ઊભી કરી નંબર-4ની મુશ્કેલી, હાર્દિક પર પણ સંકટ ઘેરાયુઃ હવે શું કરશે રોહિત શર્મા? - injured ravindra jadeja out of asia cup spoil team indias game plan


ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણી ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. ટીમમાં તેના સ્થાને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે જણાવ્યું હતું કે જાડેજાના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ છે. હાલમાં તે બોર્ડની મેડિકલ ટીમની દેખરેખમાં છે. અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીઓમાંથી સામેલ કરવામાં આવ્યો છે અને તે ઝડપથી દુબઈમાં ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. જાડેજા બહાર થઈ જવાના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટને એશિયા કપમાં પોતાની બાકી રહેલી મેચો માટે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો પડશે.

એક્સ ફેક્ટર જ બદલાઈ ગયું
રવિન્દ્ર જાડેજા ડાબોડી બેટર છે અને કદાચ તેના કારણે તેને રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે બેટિંગમાં ઉપરના ક્રમે પ્રમોટ કર્યો હતો. ટીમ ઈન્ડિયા પાસે ડાબોડી બેટર તરીકે રિશભ પંત છે પરંતુ શું તેને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં આવશે કે નહીં તે એક પ્રશ્ન છે. જો તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો પણ તેને ચોથા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવશે? આ પ્રકારના ઘણા સવાલો ઊભા થયા છે જે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને ટેન્શન આપી રહ્યા હશે. જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવેલો અક્ષર પટેલ પણ ડાબોડી બેટર છે પરંતુ તેને મોટા ભાગે લોઅર ઓર્ડરમાં જ બેટિંગમાં મોકલવામાં આવે છે. તો શું ભારત તેને પ્રમોટ કરવાનો દાવ રમશે?

ચોથા ક્રમે મળ્યો હતો વિશ્વાસ, હવે શું થશે?
ભારતીય ટીમ મેનેજમેન્ટે જાડેજાને પાકિસ્તાન વિરુદ્ધ ચોથા ક્રમે બેટિંગમાં મોકલ્યો હતો. આ નિર્ણય એક રીતે માસ્ટર સ્ટ્રોક સાબિત થયો હતો. પાકિસ્તાન સામે અત્યંત રોમાંચક જીત દરમિયાન તેણે 29 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. ઓપનર લોકેશ રાહુલ અને સુકાની રોહિત શર્મા અનુક્રમે 0 અને 12 રન નોંધાવીને આઉટ થયા બાદ જાડેજા બેટિંગમાં આવ્યો હતો.

હાર્દિક સાથે રહ્યો હતો જીતનો હીરો, હવે તેના પર પણ પડશે અસર
પાકિસ્તાન સામે પ્લેયર ઓફ ધ મેચ રહેલા હાર્દિક પંડ્યા સાથે મળીને જાડેજાએ 52 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને વિજય સુધી દોરી ગયા હતા. રવિન્દ્ર જાડેજાએ મેચ બાદ જણાવ્યું હતું કે અમે તે પોઝિશન માટે માનસિક રીતે તૈયાર હતા. જાડેજાએ ત્યારે કહ્યું હતું કે, હું ટોપ-સાતમાં એકમાત્ર ડાબોડી બેટર હતો. ક્યારેક ક્યારેક જ્યારે જમણેરી સ્પિનર અને લેગ સ્પિનર બોલિંગ કરી રહ્યા હોય છે તો ડાબોડી બેટર માટે જોખમ લેવું સરળ બની જાય છે.

બેટિંગ ઓર્ડરમાં પણ ફેરફાર શક્ય
હોંગકોંગ વિરુદ્ધ રમાયેલી મેચમાં જાડેજાને બેટિંગની તક મળી ન હતી પરંતુ તેની બોલિંગ ઘણી ચુસ્ત રહી હતી. તેણે ચાર ઓવરમાં 15 રન આપીને એક વિકેટ ઝડપી હતી. બેટિંગ અને બોલિંગ ઉપરાંત રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ દ્વારા પણ મેચની બાજી પલટી શકવા સક્ષમ છે. અક્ષર પટેલ હાલમાં ઝિમ્બાબ્વેમાં વન-ડે રમીને આવ્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તે ટીમનો ભાગ હતો. જાડેજા બહાર થઈ જવાના કારણે કોચ દ્રવિડ અને સુકાની રોહિતને બેટિંગ ઓર્ડર અંગે નવેસરથી વિચારવું પડશે. અક્ષર પટેલને ચોથા કે પાંચમાં ક્રમે ઉતારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અક્ષર પટેલ સાતમાં કે આઠમાં ક્રમે આવીને અંતિમ ઓવર્સમાં તાબડતોબ બેટિંગ કરી શકે છે.

Exit mobile version