Today News

‘ઈન્જેક્શન આપો કે દવા… મને સાજો કરો’ ડિસાઈડર મેચ પહેલા સૂર્યકુમારને હતો તાવ – suryakumar yadav battled fever before 3rd t20i against australia

'ઈન્જેક્શન આપો કે દવા... મને સાજો કરો' ડિસાઈડર મેચ પહેલા સૂર્યકુમારને હતો તાવ - suryakumar yadav battled fever before 3rd t20i against australia


ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચની ટી20 ક્રિકેટ સીરિઝ 2-1થી જીતી લીધી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી હતી અને બાદમાં બીજી મેચમાં ભારતે વિજય નોંધાવ્યો હતો. હૈદરાબાદમાં રવિવારે ત્રીજી અને નિર્ણાયક મેચ હતી. જેમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી ભારતે વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં સૂર્યકુમારે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. જોકે, સૂર્યકુમાર માટે આ ઈનિંગ્સ આસાન ન હતી રહી કેમ કે મેચ પહેલા તેને તાવ આવ્યો હતો.

બીસીસીઆઈ એ મેચ બાદ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલનો ઈન્ટરવ્યુ પોસ્ટ કર્યો હતો. તે બંનેની વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે મેચ પહેલા તેની હાલત ખરાબ હતી પરંતુ એક ઈન્જેક્શન લઈને તે મેચ રમવા ઉતર્યો હતો. અક્ષર પટેલે સૂર્યકુમારનો ઈન્ટરવ્યુ કર્યો હતો અને આ દરમિયાન તેણે પૂછ્યું હતું કે જ્યારે તે સવારે ઉઠ્યો તો ફિઝિયો રૂમમાં ઘણી ચહલ-પહલ હતી અને તમામ લોકો તમારા અંગે વાતચીત કરી રહ્યા હતા. તો શું થયું હતું. ત્યારે સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આપણે ટ્રાવેલ કરી રહ્યા છીએ તેવામાં તેના પેટમાં દુખાવો થયો હતો અને બાદમાં તાવ આવી ગયો હતો.

સૂર્યકુમારે જણાવ્યું હતું કે મેચ નિર્ણાયક છે તેથી મેં ડોક્ટરોને કહ્યું કે જો આ વર્લ્ડ કપની ફાઈનલ હોત તો હું બીમારીના કારણે બેસી શકું નહીં. મને કોઈ પણ ગોળી આપો કે ઈન્જેક્શન આપો, પરંતુ મને ફિટ કરી દો. જ્યારે અમે મેદાનમાં આવ્યા હતા ત્યારબાદ બધુ નોર્મલ થઈ ગયું હતું.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતને લોકેશ રાહુલ અને રોહિત શર્માના રૂપમાં શરૂઆતી ઝટકા લાગ્યા હતા. જોકે, બાદમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ સાથે મળીને મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. સૂર્યકુમાર યદાવે પોતાની ઈનિંગ્સમાં 36 બોલમાં 69 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી.

Exit mobile version